બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે આજે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક માં અંબાના દર્શન કર્યા અને પૂજા-અર્ચના કરી. માતાજીના આશીર્વાદ લીધા બાદ, તેમણે પાંચ દિવસીય અંબા પ્રીમિયર લીગ (APL)ની ફાઈનલ મેચનું ઉદ્ઘાટન કર્યું.
GMDC ક્રિકેટ મેદાન ખાતે ચાલી રહેલી APLની અંતિમ મેચમાં ગેનીબેન ઠાકોરે ક્રિકેટ બેટ હાથે લઈ બોલનો સટકા માર્યો, સાથે સાથે ગુજરાત સરકારની નીતિઓ પર પણ સટસટા પ્રહાર કર્યા.
ગેનીબેને જણાવ્યું કે, રમતગમતના વિકાસમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ પાછળ છે. બાળકોને શાળાના પ્રથમ ધોરણથી જ રમતગમતનું પૂરતું માર્ગદર્શન મળવું જોઈએ, પરંતુ રાજ્યની ઘણી શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ખોટ છે. સાથે સાથે, શાળાઓમાં રમતગમત માટે આવશ્યક મેદાનોની પણ તીવ્ર ઉણપ છે.
સરકારની નીતિઓની ટીકા કરતાં, ગેનીબેને જણાવ્યું કે, “આજે ઉદ્યોગકારોને જમીન ફાળવવામાં આવે છે, પણ આવનારી પેઢીને ધ્યાનમાં રાખી, રમતગમત માટે પણ પર્યાપ્ત જમીન ફાળવવી જરૂરી છે.“
તેમણે ભારપૂર્વક કહ્યું કે, યુવાનોના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સુવિધાઓમાં સુધારો લાવવો સરકાર માટે પ્રાથમિકતા હોવી જોઈએ.