ગુજરાતમાં વારંવાર જૂથ અથડામણની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મેઘરજમાં બે જૂથો વચ્ચે તીવ્ર અથડામણ થઈ, જેમાં સામ-સામે પથ્થરમારો થયો.
પથ્થરમારમાં 6 લોકોને ઈજા, ટોળાએ કારને નુકસાન પહોંચાડ્યું
અથડામણ દરમિયાન ટોળાએ એક કારના કાચ તોડી નાખ્યા હતા. પથ્થરમારાની આ ઘટનામાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ધાર્મિક સ્થળ પાસે પથ્થરમારો થતાં અફરાતફરી મચી
ઘટના એક ધાર્મિક સ્થળ પાસે બની, જ્યાં અચાનક પથ્થરમારો શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ. લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, અથડામણનું કારણ હજી અકબંધ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો તાત્કાલિક મેઘરજમાં મોકલી દેવામાં આવી. સાથે જ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા અને પરિસ્થિતિ કાબૂમાં લાવી.
હાલમાં જૂથ અથડામણનું ચોક્કસ કારણ અકબંધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.